: send direct message to facebook :



પાટીદાર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આજે સતત ત્રીજા દિવસે ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે ડખો થયો હતો. મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યા બાદ બંને પક્ષે ટોળા એકત્ર થઇ ગયા હતા. આ દરમિયાન અજાણ્યા ટિખળખોરોએ ફરી પાલિકાની બીઆરટીએસ બસને નિશાન બનાવી હતી. કાપોદ્રાથી સ્ટેશન તરફ દોડી રહેલી બીઆરટીએસ બસના ગ્લાસ ઉપર પથ્થર મારતા મુસાફરો ગભરાઇને બસમાંથી ઊતરી પડયા હતા. પાલિકાએ અગમચેતીના ભાગરૂપે સાંજે સાત વાગ્યા બાદ તાત્કાલિક અસરથી બસ ઓપરેશન અટકાવી દીધું હતું.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વરાછા, કાપોદ્રા, કરંજ વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચેનો ઝઘડો રોજિંદો બની ચૂક્યો છે. શુક્રવારે મોડી સાંજે ફરી એકવખત બોમ્બે માર્કેટ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા કરંજ વિધાનસભાના ધારાસભ્ય જનક બગદાણાવાળા અને પાસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. મામલો તંગ બની જતાં પોલીસ વિરોધ કરી રહેલા પાસના કાર્યકરોને વરાછા પોલીસ મથકે લઇ ગઇ હતી. આને કારણે થોડી જ મિનિટોમાં ભાજપ અને પાસના કાર્યકરો પોલીસ મથકે ઊમટી પડયા હતા.
વરાછા પોલીસ મથકની બહાર સૂત્રોચ્ચાર કરી રહેલા ટોળાઓમાં કેટલાક ભાંગફોડિયા તત્ત્વો પણ સામેલ થયા હતા. જેમણે નજીકથી પસાર થઇ રહેલી પાલિકાની બીઆરટીએસ બસ ઉપર પથ્થર મારી માહોલ તંગ બનાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બસ (નંબર જીજે-૫- બીએક્સ -૧૫૦૧) ઉપર ડ્રાઇવર તરફના ભાગે સામેથી પથ્થર મારવામાં આવતા મુસાફરો ફફડી ઊઠયા હતા. તાત્કાલિક તમામ મુસાફરો બસની બહાર દોડી ગયા હતા. ડ્રાઇવરનો જીવ પણ ટાળવે ચોંટી ગયો હતો. આ અંગેની જાણ મ્યુ. કમિશનરને કરવામાં આવતા તેમણે તાત્કાલિક અસરથી વરાછા મેઇનરોડનું ઓપરેશન અટકાવી દેવા સૂચના આપી હતી. રેલવે સ્ટેશનથી કામરેજ તરફ દોડતી તમામ ૨૭ બસો બંધ કરાવી દેવાઇ હતી. પીક અવર્સ દરમિયાન જ ભાંજગડ થતાં સેંકડો મુસાફરો શુક્રવારે સાંજ પછી માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી વંચિત રહ્યાં હતા.
આ અંગે જાણકારી મળતા ભાજપના ધારાસભ્ય જનક બગદાણાવાળા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. જોકે તેઓ પોતાની ગાડીમાં ઉતર્યા અને લોકોનો રોષ જોઈ પાછા ગાડીમાં બેસીને જતા રહ્યા હતા.

Post a Comment

 
Top
Aapanu Gujarat