: send direct message to facebook :

રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દોસ્ત રહેતો નથી એમ ક્યારેય કોઈ કાયમી દુશ્મન રહેતો નથી. વખત આવ્યે રાજકારણીઓ ભાઈ ભાઈ બની જાય છે. હમસફર બની જાય છે. એમ ક્યારેક જાની દુશ્મન પણ બની જાય છે. અરે… ક્યારેક ભાઈ સામે સગો ભાઈ ચૂંટણી લડે છે તો પતિ સામે પત્ની ચૂંટણી લડી હોય તેવા અનેક કિસ્સાઓ રાજકારણના ચોપડે નોંધાયેલા મોજૂદ છે.
પણ હવે તો ચૂંટણી રાજકારણનો એક અખાડો બની જતાં રાજકીય પક્ષો એકમેકને પછાડવાનો જ દાવ ખેલતા રહ્યાં છે. આ દાવ ચૂંટણીના મેદાન પૂરતો જ રહ્યો નથી પણ રાજકીય વેરઝેરમાં એવો ધોબીપછાડ જેવો બન્યો છે કે, ચૂંટણીમાં રાજકીય દુશ્મની એ એક કાયમી રોગ બનીને એવી ફેલાઈ છે કે, ચૂંટણી અને ચુંટણીનાં પરિણામો બાદ પણ હાર-જીતનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવાને બદલે કાયમી દુશ્મનાવટમાં ફેરવાઈ ગઈ છે. આ દુશ્મનાવટ ક્યારેક માત્ર રગડા-ઝઘડા જ નહીં, ખૂની ખેલમાં પણ પરિણમે છે.
બાકી એક જમાનામાં રાજકીય પક્ષ શાસક હોય કે પછી કોઈ વિપક્ષનો નેતા કે કાર્યકર હોય તેમની મિત્રતા પારિવારિક બની જતી હતી. આ મિત્રતાનો નાતો શુભ-અશુભ પ્રસંગોમાં અતૂટ રહેતો હતો. આવા દાખલા ગુજરાતની કેટલીયે ચૂંટણીના ઈતિહાસના પાનાં પર લખાયેલા છે.
અમદાવાદની જ લોકસભાની એક ચૂંટણીની વાત કરીએ તો ‘મહાગુજરાત લે કે રહેંગે’ આંદોલન બાદ ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું. એ પછીની લોકસભાની ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદના ફકીર નેતા ઈન્દુલાલ યાજ્ઞિાક સામે અમદાવાદના મિલ માલિક જયકૃષ્ણ હરિવલ્લભદાસ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા. આ ચૂંટણીના પ્રચાર વેળા એક રાત્રે ખાડિયા-માણેકચોકમાં જયકૃષ્ણભાઈ અને ઈન્દુચાચા અચાનક સામસામે મળી જતા મિલ માલિક જયકૃષ્ણભાઈ પોતાની મોટરકારમાંથી નીચે ઊતરી ગયા હતા અને ઈન્દુચાચાને ભેટયા હતા. ઈન્દુચાચા પણ તેમને દિલથી ભેટયા હતા. આ દૃશ્ય અનોખું હતું… કેમ કે આ બંને નેતાઓ તેમની જિંદગીમાં ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા જ નહોતા. પછી દિલથી ભેટવાની વાત જ વળી કેવી ?
વીતેલા આ જમાનામાં જ મોટે ભાગે ૧૯૬૫માં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. એ વેળા જનતા પરિષદના જેલમાં બંધ એવા મજૂર નેતા કમ સામ્યવાદી પક્ષના ઉમેદવાર ચિંતામન પાંજનકર અને તેમના સાથી ઉમેદવારો મિલોના ઝાંપે જઈ ચૂંટણી સભાઓ ભરતા હતા અને તે પણ બપોરે સાડા ત્રણ વાગે મિલની પહેલી પાળીના મજૂરો છૂટે એ વખતે કરતા હતા. જેથી સભામાં મજૂરો મોટી સંખ્યામાં એકઠા થાય… એક દિવસે અમરાઈવાડી ચાર રસ્તા પાસે આવેલી ન્યૂ કોટન મિલના ઝાંપે પાંજનકરે સભા ભરી હતી. એ સમયે મિલના માલિક હીરાભાઈ શેઠ અચાનક કોઈ મિટિંગમાંથી મિલમાં આવ્યા હતા. કોંગી નેતા એવા હીરાભાઈએ મિલમાં પ્રવેશ કરતા મિલની બહાર પ્રવચન કરી રહેલા પાંજનકરને જોયા અને મિલની અંદર જઈને પટાવાળાને કહ્યું કે, ઝાંપા બહાર જે નેતા પ્રવચન કરી રહ્યા છે તે પ્રવચન પૂરું કરે એ પછી તેમને મારી પાસે ઓફિસમાં લઈ આવજે. સભા પૂરી થતાં જ પટાવાળો પાંજનકર અને તેમના સાથી ઉમેદવારોને લઈ હીરાભાઈ શેઠ પાસે ગયો. હીરાભાઈએ પાંજનકર અને તેમના સાથીઓને આવકાર્યા, ચા-પાણી કરાવ્યા અને વિદાય આપી. ત્યારે પાંજનકરે કહ્યું, શેઠ તમે તો કોંગ્રેસી છો. હીરાભાઈએ કહ્યું, કોંગ્રેસી ખરો, પણ મિલના ઝાંપા બહાર. આ કિસ્સાઓ એ જમાનાના એક કર્મચારીએ વર્ણવ્યા ત્યારે આજે એમ લાગી રહ્યું છે કે આજનું રાજકારણ અને રાજકારણીઓ કેવા છીછરા બની ગયા છે… આજે તો સામા પક્ષનો નેતા કે ઉમેદવાર એટલે દુશ્મન… એટલે પાડો-અધમૂવો કરો અને મિત્રતા વળી કેવી ? લાગે છે કે, ચૂંટણી એ રાજકીય દુશ્મનાવટનો ખેલ બની ગઈ છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat